ઉજાસ

Sunday, May 21, 2006

ફિલ્મો અને ટીવી સિરિયલોની આડઅસરથી ચેતો

આજે આપણા દેશમાં ફિલ્મો અને ટીવીની ખૂબ ચર્ચા રહે છે. નાનાથી મોટા બધાં જ એના ચાહકો છે, પણ કોઈ એનાથી થતી આડઅસર પ્રત્યે ગંભીર નથી કે તે દરેકના જીવન પર કેટલી ખતરનાક અસર પાડી રહી છે.
આજે દેશમાં જે બદી ફેલાઈ રહી છે તેને માટે ફિલ્મ- ટીવી સિરિયલો જવાબદાર છે. તમે કોઈ પણ ફિલ્મ કે ટીવી સિરિયલ જુઓ તેમાં મારામારી, ખૂન ખરાબો, કત્‍લેઆમ, દારૂની રેલમછેલ પિસ્તોલની ધનાધની, પ્રેમલા પ્રેમલીની બોગસ ભરમાર, ચોરી, લૂટ, બેંક લૂટવી, ઘરેથી બાળકોનું ભાગવું, આત્મહત્યા, દગાખોરી, જેવા દ્રવ્યો બતાવવામાં આવે છે. જેની જનતા પર ગહેરી અસર પડે છે. ખાસ કરીને નાના બાળકો, યુવાનો પ્રભાવિત થાય છે કેમકે તેઓ તો ફિલ્‍મીજીવનને જ સાચુ જીવન સમજે છે અને તે રીતે જીવવા ઇચ્છે છે. અને ફેશનમાં એમનું આંધળુ અનુકરણ કરી એમના જેવા વસ્‍ત્રો, હેરસ્‍ટાઇલ, ટીપટોપથી રહેવા માટે પોતાના માં-બાપને ખોટા ખર્ચાઓમાં ઉતારે છે. વડીલોની માન મર્યાદા જાણવવાને નાનમ સમજે છે. એમને એની ખબર નથી કે આ રીતનું જીવન સર્વનાશ તરફ લઈ જનારો માર્ગ છે.
ભારત સરકારે આવી ફિલ્‍મો તથા ટીવી સિરિયલો ન બને તે જોવું જોઈએ અને બનેલી પર પ્રતિબંધ મુકવો જોઈએ. હવે સમાચાર ચેનલો પણ ઘણા બિનજરૂરી દ્રશ્‍યો દેખાડી સમાજને ખોટે રસ્‍તે દોરી રહી છે.
ભારત એ મહાત્‍મા ગાંધી અને સંત મહંત, સુફીઓનો દેશ છે જયાં સત્‍ય અહિંસા અને દારૂબંધીની બોલબાલા હોવી જોઈએ, ત્યારે ફિલ્મ- ટીવી દ્વારા આજે લોકોમાં હિંસા, દારૂની રેલમછેલ અને અનેક બદીઓનું સિંચન થઇ રહ્યું છે. પ્રેમની બનાવટી ફિલ્‍મી વાતથી યુવાનોના જીવન ખેદાનમેદાન થઈ રહ્યા છે. તેમને ફિલ્‍મી પ્રેમની બનાવટનો ખ્‍યાલ નથી તે તેને જ સાચું જીવન સમજે છે અને પછી પસ્‍તાય છે.
ફોરૈનની આંધળી નકલ કરતી. ફિલ્મો- ટીવી સિરિયલો, ભારતીય સંસ્‍કૃતિના ઉમદા સંસ્કારોનો નાશ કરી રહી છે. દેશને આજે જરૂર છે દેશભકિત, ભાઈચારો, સર્વધર્મ સમભાવ, ઈમાનદારી, સાચી મિત્રતા, એકબીજામાં વિશ્વાસ જગાવનારા સંસ્‍કારોના સિંચનની સરકાર જનતાના હિતમાં ખરાબ અસર કરતા કાર્યક્રમો પર પાબંદી મુકી, સારા સંસ્કારો જગાવતા પ્રોગ્રામો આપવા માટે દબાણ કરે. એજ દેશ અને જનતાના હિતમાં હશે.

Wednesday, May 17, 2006

સમાજને બચાવવા આગળ આવો

એક જમાનો હતો જ્યારે બુરાઈઓને નફરતની નજરથી જોતા હતા. ગુનાહિત કૃત્‍યોનો તિરસ્કાર કરતા, નીતિમત્તાને નષ્ટ કરતા કૃત્‍યોને વખોડતા અને સમાજ ભલાઈઓથી ભરેલો રહે તે માટે સદા ચિંતિત રહેતા હતા. બૂરા કામ કરનારાઓથી સદા દૂર રહેતા હતા. અને તેને જાકારો આપતા. આથી જ તે સમયે સમાજ હર્યો ભર્યો રહેતો હતો. પણ આજે સમાજનો વિચારવાનો ઢંગ જ એકદમ બદલાઈ ગયો છે. સમાજમાં ઠેરઠેર બુરાઈઓ ચાલતી જોવા મળે છે. પણ એનાથી સમાજ કોઈ પીડા અનુભવતો નથી. બુરાઈ જાણે કે માનવી માટે પ્રાકૃતિક બની ગઈ હોય એમ લાગે છે તેથી તેના પ્રત્યે કોઈ રોષ પ્રદર્શિત કરવા પણ બહાર પડતો નથી. નાનાં બાળકોથી માંડી મોટાઓ સુધી ગંદા ભાવાર્થવાળા ફિલ્‍મી ગીતો સાંભળે છે અને અર્ધનગ્‍ન કપડાં પહેરેલા દશ્‍યોની ફિલ્મો જુએ છે. સંસ્કાર બગાડનાર ટી.વી. સિરિયલો સર્વ કુટુંબીજનો સાથે બેસીને જુએ છે પણ કોઈને તેનો જરાયે અહેસાસ થતો નથી. સમાજમાં નારીનું અપમાન કરાય છે. નાની બાળા પર બળાત્કાર થાય છે. કોઈને અરેરાટી પણ થતી નથી. સમાજમાં નાચ-નખરા, શરાબ મેહફિલો, જુગારના જાહેર અડ્ડાઓ, ગાંજા-ચરસની છૂટ આપણે જોતા રહીએ છીએ, પણ તે વાતો પણ જાણે કોઠે પડી ગઈ છે. કોઈને તેનાથી વ્યથા થતી નથી. હવે સમય એવો ચાલી રહ્યો છે કે કોઈ જો આવી વાતનો વિરોધ પણ કરે તો જુનવાણી છે એમ કહી હાંસી ઉડાવાય છે.
સચ્ચાઈ, સંસ્કાર, નીતિમત્તા, સદાવર્તન, માનમર્યાદા અને ભલાઈ આધારિત જીવન વ્યવસ્થા આપણાથી દૂર ને દૂર થતી જાય છે. જો સમાજ એને ફરીથી જીવન વ્‍યવસ્‍થામાં શામેલ કરવા કટિબદ્ધ નહીં થશે તો દિવસે દિવસે આપણે અધોગતિમાં ધકેલાતા જઈશું, જે સમાજના હિતમાં નહીં હોય. હજું મોડું થયું નથી. સમાજના હિતચિંતકો સમયની ગંભીરતાને પારખી, સમાજને ફરી નીતિમત્તાના રસ્તા પર લાવવા કટિબદ્ધ થાય એ જ સમયની માંગ છે.

Saturday, May 13, 2006

આખિર મિટ્ટીમેં મીલ જાના હૈ

માનવ જીવન ફાની છે. એ ટુકા જીવનમાં માનવ પોતાના અલ્પ સ્વાર્થ માટે ઇર્ષા, કપટ, દ્વેષ, વેર, ગર્વ, લડાઈ ઝઘડા, દગો ફટકામાં જ રચ્‍યો પચ્યો રહે છે કદી તો તે રક્તપાત કરવા સુધી પહોંચી જાય છે. પણ એ ભૂલી જાય છે કે ઈશ્વરે તેને માટીમાંથી બનાવ્યો છે. (માનવકૂળના પિતા આદમ (અલૈ.)ને અલ્‍લાહે માટીમાંથી બનાવ્યાં હતા એ દ્રષ્ટિએ માનવ માટીનો પૂતળો છે) અને જગતમાં ટૂંકું જીવન જીવી ફરી તે માટીમાં ભળી જવાનું છે. પછી ઈશ્વરે આપેલા ટૂંકા જીવનને તેણે શા માટે આવા કૃત્‍યો દ્વારા વેડફી નાખવું જોઇએ ? જેનો એના મૃત્યુ બાદ તેને કંઇ જ ફાયદો પહોંચવાનો નથી. બહેતર એ જ છે કે તેણે પ્રેમ, મહોબ્બત, આદર, ભકિત, સહકાર જેવા નૈતિક મૃલ્‍યોને જીવનમાં ઉતારી ઇશ્વર મય જીવન જીવવું જોઇએ કે જેથી તે તેના સારા કાર્યોનું પુણ્ય બાદ પણ તેને પહોંચતું રહે. એજ તો મુકિતનો સાચો માર્ગ છે. ઇસ્લામ અને એના મહાન નબી હઝરત મુહમ્‍મદ (સલ્‍લલ્‍લાહુ અલયહિ વસલ્‍લમ)એ એજ તાલીમ આપી છે. અને જો તેને અનુસરવામાં આવે તો જગતમાં શાંતિ અને ભાઈચારાની થઇ શકે.