ઉજાસ

Thursday, April 27, 2006

મેરા ભારત મહાન

જે કોઈએ આ દેશની જમીન પર જન્મ લીધો છે. તેને પોતાના પ્‍યારા વતન પ્રત્યે પ્રેમ હોય એ બિલકુલ સ્વાભાવિક છે. કેમ કે વતન પ્રત્યે વહાલ એતો માનવ પ્રકૃતિનો એક અંશ છે. તેને ઉપરથી લાદવાની જરૂર નથી. તે તો માનવ સ્વભાવમાં સમાયેલો જ હોય છે. અને તેથી દરેક ભારતવાસી પછી તે કોઇપણ ધર્મ જાતિ વર્ગનો કેમ ન હોય પોતાના વતનને દિલથી ચાહે છે. અને ગર્વ સાથે કહે છે કે મેરા ભારત મહાન. ભારતના ઉર્દૂના મહાન કવિ ડો. મુહમ્મદ ઇકબાલએ સાચું કહ્યું છે કે સારે જહાં સે અચ્છા હિન્‍દુસ્‍તાં હમારા.
ભારતના મુસ્લિમો પણ વતનને ખૂબ જ ચાહે છે. તેઓ કહે છે કે વતનની તકલીફો પરદેશની સુખ સાયબી કરતા દિલને વધુ તસલ્લી અને ઠંડક આપનારી છે. મજહબે ઇસ્‍લામે પણ કહ્યું છે કે હુબ્‍બુલ વતની મિનલ ઇમાન એટલે વતન પ્રત્યેનો પ્રેમ એ ઇમાનનો એક ભાગ છે. વતન પ્રત્યેના પ્રેમની આડે ધર્મ કે ધાર્મિક કે માન્યતાઓ કદી પણ વચ્ચે આવતી નથી. જેથી જ્યારે કોઇ દીશાથી મુસ્લિમોના વતન પ્રેમ પ્રત્યે શંકા વ્યક્ત કરવામાં આવે છે. કે સબૂત માંગવામાં આવે છે. તો દિલને બેહદ દુઃખ પહોંચે છે વતન પ્રેમ એ તો માનવ પ્રકૃતિમાં સમાયેલો જ છે. અને એથી જ્યારે એક મુસ્લિમ પણ પ્રેમથી મેરા ભારત મહાન કહી પોતાના દેશ માટે ગૌરવ લેતો હોય છે. ત્યારે તેના દિલને ઠેસ પહોંચે એવું ન કહેવાય કે ન કરાય તો કેટલું સારુ ! વિશ્વાસ અને ભાઈચારો જ આ દેશની પ્રગતિનો રાઝ છે.
દેશની દરેક વ્‍યકિત પોત પોતાના ધર્મ અને તેની રીતી, નિતિ, વિધિને બીજાને દુઃખ રંજ પહોંચાડયા વિના પાળે એકબીજાના ધર્મ ધાર્મિક સ્‍થળો અને ધર્મગ્રંથોનું આદર કરે તો પછી ઝઘડો જ કર્યા રહેવાનો ખરેખર પછી તો ભાઈચારો જ ભાઈચારો રહેશે અને જો આમ થાય તો આ દેશની પ્રગતિને ચાર ચાંદ જ લાગી જાય અને મારૂ ભારત સાચા અર્થમાં સવાયું મહાન બની જાય દુનિયા પણ પછી કહે કે ખરેખર ભારત મહાન છે. કેમ કે ત્યાં ભાઈચારો જ ભાઈચારો છે.
આમ થાય તે માટે સત્તા મેળવવા ખાતર લોકોમાં ફેલાવાતા અસંતોષને લોકો સમજે અને ભૂતકાળમાં સૂફી સંતોએ ચિંધેલા શાંતિના માર્ગ પર પાછા વળે એ જ સ્‍વાતંત્રદિનની પુકાર છે માંગ છે અલ્‍લાહ એવું જ કરે એવી દુઆ.

Monday, April 24, 2006

સર્વ વસ્‍તુનો આપનાર ફકત અલ્‍લાહ છે

ઇસ્‍લામનું પવિત્ર ગ્રંથ કુરઆન કહે છે કે દરેક વસ્‍તુનો માલિક ફકત અલ્‍લાહ છે. મુસ્લિમોનું એજ ઇમાન છે કે દુનિયામાં કોઇને પણ જે કંઇ મળે છે તે અલ્‍લાહની દેન છે. કોઇને દોલત મળે, જમીન જાગીર મળે, ધંધો, ઇજ્જત માનમોભો તે બધું જ અલ્‍લાહની કૃપાથી મળે છે. ગમે તેટલી મહેનત કરો, લાગવગ લગાવો છતા કોઇની તાકાત નથી કે તેને તેની ઇચ્‍છા મુજબ કઇ મળે, સિવાય કે અલ્‍લાહની કૃપા તેની સાથે હોય અને અલ્‍લાહ જો કંઇ આપવા ચાહે તો કોઇની તાકાત નથી કે તેને કોઇ અટકાવી શકે કે લઇ લે.
આમ છતા અફસોસ સાથે કહેવું પડે છે કે કેટલાક પેટ દુખિયા કોઇને ઉચિત રીતે કંઇ મળ્યું હોય તો યે તેને છીનવી લેવા પ્યત્‍ન કરે છે. અલ્‍લાહની મરજીમાં ટાંગ અડાડે છે તેના હુકમને અવરોધવા પ્રયત્‍ન કરે છે. દુનિયામાં કોઇને ઘર મળે તો કેટલાક તેને ઘરવિનાનો કરવા કાવતરૂ કરે છે. કોઇને રોજગાર મળે છે તો રોજગારને તબાહ કરવાના પ્રયત્‍ન કરે છે. કોઇને ઇજ્જત ભર્યું જીવન મળ્યું હોય તો તેને બેઆબરૂ કરવા યોજનાઓ બનાવે છે. કોઇ વ્‍યકિત સુખ શાંતિ સંતોષ સાથે પોતાના વર્તુળમાં દિવસો ગુજારતો હોય તો કેટલાક તેને કોટ કચેરી જેવા લફરામાં ફસાવી તેનું સુખચેન બરબાદ કરવા મેદાને પડે છે. આવા લોકો ખુદાએ તેમને આપેલ ધન-દોલત અને વગવસીલાનો દુરપયોગ કરીને તે વ્‍યકિતને બરબાદ થતો જોય ખુશ થાય છે. જગત સામે પોતાની બહાદૂરી બતાવીને ફરે છે. આ દરેક વાતો અલ્‍લાહની વ્‍યવસ્‍થામાં દખલગીરી કર્યા બરાબર છે. દખલગીરી કરનાર એ ભૂલી જાય છે કે તે પોતે લાચાર ઇન્‍સાન છે. જે જગતના સર્જનહાર સાથે લડવા તૈયાર થયો છે તેનો બદલો તેણે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. અલ્‍લાહ પણ તેને ત્‍યારે નહીં છોડે.
એકબીજા સાથે પ્રેમ, સહકાર, અને આદર સાથેનું વર્તન એજ સુખી જીવનનો સાચો માર્ગ છે. એનાથી જ અલ્‍લાહ ખુશ થાય છે.

Sunday, April 23, 2006

અલ્‍લાહનો શુક્ર અદા કરો


જયારે કોઇના પર મુસીબત પડે તો તેમની તરફ જુએ જેઓ હજુ પણ ખરાબ હાલતમાં હોય તેમની બેચેની મજબૂરીઓ અને મુસીબતો સાથે સરખાવી જુઓ અને અલ્‍લાહનો શુક્ર અદા કરો કે તેમણે સારી હાલતમાં રાખ્‍યા છે.
કેટલાક લોકો એવા છે જેમને દુનિયાનું આરામ મળેલું છે છતાં ઉંઘ નથી આવતી. જાતજાતના ફળો મેવા એમની સામે હોય છે પણ તે ખાઇ શકતા નથી. અથવા તો તેમને ભૂખ જ લાગતી નથી અથવા ઓછું ખોરાક લેવાની મજબૂરી હોય છે, ખાંડ, માખણ, મલાઇ, માંસ, મચ્‍છી કે ચોખાની પરહેજી હોય છે. બાફેલા જ શાકભાજી તેને ખાવા પડે છે. ફીક્કુ ખાવું પડે છે. તીજોરી પૈસાથી ભરેલી પડી હોય છે. પણ અલ્‍લાહ તઆલાની કેવી કેવી નેઅમતોથી અંતે વંચિત રહે છે. ઊંઘ અલ્‍લાહની નેઅમત છે. તંદુરસ્‍તી અલ્‍લાહની નેઅમત છે. કોઇ ગરીબથી, ગરીબ છે પણ તેની તંદુરસ્‍તી સારી છે. ચેનથી ઊંઘી શકે છે તો અલ્‍લાહનો શુક્ર અદા કરે અને તે માલદારને જુએ જે નથી ખાઇ શકતો કે નથી સૂઇ શકતો. જો તમને ભૂખ લાગે તો અલ્‍લાહનો શુક્ર અદા કરો તેણે તમને ભૂખ આપી જયારે ઘણા લોકોની સામે ખાવાનું મુકવામાં આવે છે છતાં દર્દ- બિમારીના લીધે ખાય શકતા નથી. જેથી તમે હંમેશા અલ્‍લાહ તઆલાની નેઅમતોનો શુક્ર અદા કરતા રહો જેથી તકલીફમાં પણ જિંદગી આરામથી વ્‍યતિત થશે.
ઇન્‍સાન જિંદગીના પડતીના દિવસોમાં બીજાની ચઢતી જોતો રહે છે. અને ઘણી આશાઓ રાખે છે પણ જયારે જિંદગીમાં ચઢતી આવે છે તો પડતીના દિવસો ભૂલી જાય છે. જે બંને સ્થિતિમાં અલ્‍લાહ તઆલાનો શુક્ર અદા કરતો રહે છે તેને અલ્‍લાહ તઆલા જરૂર મદદ કરે છે. એ વાત યાદ રાખો કે સુખ કે દુઃખ બંને સ્થિતિમાં અલ્‍લાહની મળેલી નેઅમતો માટે તેનો શુક્ર અદા કરતા રહો. આપની જિંદગીમાં ચેન સુકુન નસીબ થશે. ઇન્‍શા અલ્‍લાહ.

Saturday, April 22, 2006

ઇસ્‍લામમાં એકેશ્વરવાદ


મુસ્લિમ-મોમીન માટે ઇશ્વરને એક માનવાનો અકીદો, તેની જીવનભરની એકમાત્ર મૂડી છે. તે માટે એક સાચો મુસ્લિમ પોતાના પ્રાણ સહિત સર્વસ્‍વ સમ‍ર્પિ‍ત કરવા સદા તૈયાર રહે છે. એકેશ્વરવાદના આ અકીદા માટે અગર કોઇ ફેરવિચારણા કરવા જણાવે તો એક પાકો-સાચો મુસ્લિમ ગમે તેટલી ધન-દોલતની લાલચે પણ એકેશ્વરવાદના અકીદાને જતો કરવા કદી તૈયાર નહીં થાય. આમાં એક દીનનો જાણકાર આલિમ કે અદના મુસ્લિમ સરખા જ ઉતરશે.
અલ્‍લાહ તઆલાની પવિત્ર કિતાબ કુરઆન તથા હઝરત મુહમ્‍મદ પયગમ્‍બર સાહેબ (સલ્‍લલ્‍લાહૂ અલયહિ વસલ્‍લમ) ની કથન અને કવન રૂપે મળેલ ‘હદીસો‘માં પણ ઠેકઠેકાણે શુદ્ધ એકેશ્વરવાદની માન્‍યતા પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્‍યો છે. ઇસ્‍લામની એ માન્‍યતા કે સારૂં કે બૂરૂં કરી શકવાની શકિત એકમાત્ર અલ્‍લાહ તઆલાની જાતમાં જ છે. બીજો પણ એ કરી શકવાની શકિત ધરાવે છે એવી માન્‍યતા ધરાવવી એ શિર્ક છે. જેથી અલ્‍લાહ તઆલા વિના કોઇની બંદગી ન કરવી અને કોઇને પણ તેનો ભાગીદાર ન બનાવવો એ જ ઇસ્‍લામની માન્‍યતા છે. કોઇ મુસ્લિમ એ માન્‍યતાથી ભટકી જાય તો ગુનેગાર બને છે.
બીજા ધર્મના અનુયાયીઓ કોઇ પણ માન્‍યતા ધરાવતા હોય, ઇસ્‍લામ- મુસ્લિમ તેમાં દખલગીરી કરવા માંગતો નથી. કુરઆનમાં સાફ કહ્યું છે કે, મારો ધર્મ મને મુબારક, તમારો ધર્મ તમને મુબારક આને જ તો સર્વધર્મ સમભાવ કહી શકાય. ભાઈચારાની સ્‍થાપના માટે આજ તો સાચો માર્ગ છે, જેને સૌએ સ્‍વીકારવો જોઇએ. મોગલ બાદશાહ અકબરે મજહબી ઝઘડા રોકવા દીને ઇલાહી પંથ સ્‍થાપ્‍યો હતો, પણ એ સાચો માર્ગ ન હતો, એનો સાચો ઉકેલ સર્વધર્મ સમભાવ જ છે. બધા પોતાના ધર્મને અનુસરે અને બીજા ધર્મને માનથી જુએ, એજ ભાઈચારાને મજબૂત કરી શકશે.