ઉજાસ

Saturday, April 22, 2006

ઇસ્‍લામમાં એકેશ્વરવાદ


મુસ્લિમ-મોમીન માટે ઇશ્વરને એક માનવાનો અકીદો, તેની જીવનભરની એકમાત્ર મૂડી છે. તે માટે એક સાચો મુસ્લિમ પોતાના પ્રાણ સહિત સર્વસ્‍વ સમ‍ર્પિ‍ત કરવા સદા તૈયાર રહે છે. એકેશ્વરવાદના આ અકીદા માટે અગર કોઇ ફેરવિચારણા કરવા જણાવે તો એક પાકો-સાચો મુસ્લિમ ગમે તેટલી ધન-દોલતની લાલચે પણ એકેશ્વરવાદના અકીદાને જતો કરવા કદી તૈયાર નહીં થાય. આમાં એક દીનનો જાણકાર આલિમ કે અદના મુસ્લિમ સરખા જ ઉતરશે.
અલ્‍લાહ તઆલાની પવિત્ર કિતાબ કુરઆન તથા હઝરત મુહમ્‍મદ પયગમ્‍બર સાહેબ (સલ્‍લલ્‍લાહૂ અલયહિ વસલ્‍લમ) ની કથન અને કવન રૂપે મળેલ ‘હદીસો‘માં પણ ઠેકઠેકાણે શુદ્ધ એકેશ્વરવાદની માન્‍યતા પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્‍યો છે. ઇસ્‍લામની એ માન્‍યતા કે સારૂં કે બૂરૂં કરી શકવાની શકિત એકમાત્ર અલ્‍લાહ તઆલાની જાતમાં જ છે. બીજો પણ એ કરી શકવાની શકિત ધરાવે છે એવી માન્‍યતા ધરાવવી એ શિર્ક છે. જેથી અલ્‍લાહ તઆલા વિના કોઇની બંદગી ન કરવી અને કોઇને પણ તેનો ભાગીદાર ન બનાવવો એ જ ઇસ્‍લામની માન્‍યતા છે. કોઇ મુસ્લિમ એ માન્‍યતાથી ભટકી જાય તો ગુનેગાર બને છે.
બીજા ધર્મના અનુયાયીઓ કોઇ પણ માન્‍યતા ધરાવતા હોય, ઇસ્‍લામ- મુસ્લિમ તેમાં દખલગીરી કરવા માંગતો નથી. કુરઆનમાં સાફ કહ્યું છે કે, મારો ધર્મ મને મુબારક, તમારો ધર્મ તમને મુબારક આને જ તો સર્વધર્મ સમભાવ કહી શકાય. ભાઈચારાની સ્‍થાપના માટે આજ તો સાચો માર્ગ છે, જેને સૌએ સ્‍વીકારવો જોઇએ. મોગલ બાદશાહ અકબરે મજહબી ઝઘડા રોકવા દીને ઇલાહી પંથ સ્‍થાપ્‍યો હતો, પણ એ સાચો માર્ગ ન હતો, એનો સાચો ઉકેલ સર્વધર્મ સમભાવ જ છે. બધા પોતાના ધર્મને અનુસરે અને બીજા ધર્મને માનથી જુએ, એજ ભાઈચારાને મજબૂત કરી શકશે.

1 Comments:

  • At 9:37 AM, Blogger arif said…

    અસ્સ્લામુઅલયકુમ વ.વ., સલીમ ભાઈ ને જણાવ્વાનુ કે આપે જે આપનો બ્લોગ શરુ કરતા music થી શરુઆત છે. જે ઈસ્લામ ની તાઆલીમાઅત થી સહી નાથી.

     

Post a Comment

<< Home