ઉજાસ

Sunday, April 23, 2006

અલ્‍લાહનો શુક્ર અદા કરો


જયારે કોઇના પર મુસીબત પડે તો તેમની તરફ જુએ જેઓ હજુ પણ ખરાબ હાલતમાં હોય તેમની બેચેની મજબૂરીઓ અને મુસીબતો સાથે સરખાવી જુઓ અને અલ્‍લાહનો શુક્ર અદા કરો કે તેમણે સારી હાલતમાં રાખ્‍યા છે.
કેટલાક લોકો એવા છે જેમને દુનિયાનું આરામ મળેલું છે છતાં ઉંઘ નથી આવતી. જાતજાતના ફળો મેવા એમની સામે હોય છે પણ તે ખાઇ શકતા નથી. અથવા તો તેમને ભૂખ જ લાગતી નથી અથવા ઓછું ખોરાક લેવાની મજબૂરી હોય છે, ખાંડ, માખણ, મલાઇ, માંસ, મચ્‍છી કે ચોખાની પરહેજી હોય છે. બાફેલા જ શાકભાજી તેને ખાવા પડે છે. ફીક્કુ ખાવું પડે છે. તીજોરી પૈસાથી ભરેલી પડી હોય છે. પણ અલ્‍લાહ તઆલાની કેવી કેવી નેઅમતોથી અંતે વંચિત રહે છે. ઊંઘ અલ્‍લાહની નેઅમત છે. તંદુરસ્‍તી અલ્‍લાહની નેઅમત છે. કોઇ ગરીબથી, ગરીબ છે પણ તેની તંદુરસ્‍તી સારી છે. ચેનથી ઊંઘી શકે છે તો અલ્‍લાહનો શુક્ર અદા કરે અને તે માલદારને જુએ જે નથી ખાઇ શકતો કે નથી સૂઇ શકતો. જો તમને ભૂખ લાગે તો અલ્‍લાહનો શુક્ર અદા કરો તેણે તમને ભૂખ આપી જયારે ઘણા લોકોની સામે ખાવાનું મુકવામાં આવે છે છતાં દર્દ- બિમારીના લીધે ખાય શકતા નથી. જેથી તમે હંમેશા અલ્‍લાહ તઆલાની નેઅમતોનો શુક્ર અદા કરતા રહો જેથી તકલીફમાં પણ જિંદગી આરામથી વ્‍યતિત થશે.
ઇન્‍સાન જિંદગીના પડતીના દિવસોમાં બીજાની ચઢતી જોતો રહે છે. અને ઘણી આશાઓ રાખે છે પણ જયારે જિંદગીમાં ચઢતી આવે છે તો પડતીના દિવસો ભૂલી જાય છે. જે બંને સ્થિતિમાં અલ્‍લાહ તઆલાનો શુક્ર અદા કરતો રહે છે તેને અલ્‍લાહ તઆલા જરૂર મદદ કરે છે. એ વાત યાદ રાખો કે સુખ કે દુઃખ બંને સ્થિતિમાં અલ્‍લાહની મળેલી નેઅમતો માટે તેનો શુક્ર અદા કરતા રહો. આપની જિંદગીમાં ચેન સુકુન નસીબ થશે. ઇન્‍શા અલ્‍લાહ.

0 Comments:

Post a Comment

<< Home