ઉજાસ

Wednesday, May 17, 2006

સમાજને બચાવવા આગળ આવો

એક જમાનો હતો જ્યારે બુરાઈઓને નફરતની નજરથી જોતા હતા. ગુનાહિત કૃત્‍યોનો તિરસ્કાર કરતા, નીતિમત્તાને નષ્ટ કરતા કૃત્‍યોને વખોડતા અને સમાજ ભલાઈઓથી ભરેલો રહે તે માટે સદા ચિંતિત રહેતા હતા. બૂરા કામ કરનારાઓથી સદા દૂર રહેતા હતા. અને તેને જાકારો આપતા. આથી જ તે સમયે સમાજ હર્યો ભર્યો રહેતો હતો. પણ આજે સમાજનો વિચારવાનો ઢંગ જ એકદમ બદલાઈ ગયો છે. સમાજમાં ઠેરઠેર બુરાઈઓ ચાલતી જોવા મળે છે. પણ એનાથી સમાજ કોઈ પીડા અનુભવતો નથી. બુરાઈ જાણે કે માનવી માટે પ્રાકૃતિક બની ગઈ હોય એમ લાગે છે તેથી તેના પ્રત્યે કોઈ રોષ પ્રદર્શિત કરવા પણ બહાર પડતો નથી. નાનાં બાળકોથી માંડી મોટાઓ સુધી ગંદા ભાવાર્થવાળા ફિલ્‍મી ગીતો સાંભળે છે અને અર્ધનગ્‍ન કપડાં પહેરેલા દશ્‍યોની ફિલ્મો જુએ છે. સંસ્કાર બગાડનાર ટી.વી. સિરિયલો સર્વ કુટુંબીજનો સાથે બેસીને જુએ છે પણ કોઈને તેનો જરાયે અહેસાસ થતો નથી. સમાજમાં નારીનું અપમાન કરાય છે. નાની બાળા પર બળાત્કાર થાય છે. કોઈને અરેરાટી પણ થતી નથી. સમાજમાં નાચ-નખરા, શરાબ મેહફિલો, જુગારના જાહેર અડ્ડાઓ, ગાંજા-ચરસની છૂટ આપણે જોતા રહીએ છીએ, પણ તે વાતો પણ જાણે કોઠે પડી ગઈ છે. કોઈને તેનાથી વ્યથા થતી નથી. હવે સમય એવો ચાલી રહ્યો છે કે કોઈ જો આવી વાતનો વિરોધ પણ કરે તો જુનવાણી છે એમ કહી હાંસી ઉડાવાય છે.
સચ્ચાઈ, સંસ્કાર, નીતિમત્તા, સદાવર્તન, માનમર્યાદા અને ભલાઈ આધારિત જીવન વ્યવસ્થા આપણાથી દૂર ને દૂર થતી જાય છે. જો સમાજ એને ફરીથી જીવન વ્‍યવસ્‍થામાં શામેલ કરવા કટિબદ્ધ નહીં થશે તો દિવસે દિવસે આપણે અધોગતિમાં ધકેલાતા જઈશું, જે સમાજના હિતમાં નહીં હોય. હજું મોડું થયું નથી. સમાજના હિતચિંતકો સમયની ગંભીરતાને પારખી, સમાજને ફરી નીતિમત્તાના રસ્તા પર લાવવા કટિબદ્ધ થાય એ જ સમયની માંગ છે.

0 Comments:

Post a Comment

<< Home