ઉજાસ

Thursday, June 29, 2006

ઈસ્‍લામી મદરસા

એક અખબારમાં શ્રી ભરત પંડયાના ચર્ચાપત્ર મદરસાઓ એટલે પછાતપણાની બેડીઓના અનુસંધાનમાં અમે લાંબા સમયથી જોઇ રહ્યા છીએ કે જેને ઇસ્‍લામ કે મદરસા બાબતનું કોઈ જ્ઞાન નથી તે ફેશન તરીકે તેની ટીકા કરવાની બહાદૂરી બતાવી રહ્યા છે. શ્રી પંડયા જેવા પણ જયારે એમાં ભળે છે તો રંજ થાય છે, ખરેખર તો આ બીજાના ધર્મમાં ખુલ્‍લી દખલ છે તે બંધ થવી જોઈએ. એ જાણી લેવાની જરૂર છે કે મદરસા બે પ્રકારના હોય છે, એક મુસ્લિમ વસ્‍તીવાળા મહોલ્‍લા યા ગામમાં ચાલતા નાના મદરસા જેમાં નાના બાળકોને મજહબનું પ્રથમિક જ્ઞાન અપાય છે. કુરઆન પઢતા શીખવવામાં આવે છે. બાકીના સમયમાં બાળકો ગામની ગુજરાતી શાળામાં શિક્ષણ લે છે. બીજા ધર્મના લોકો પણ આવી પાઠ્યશાળાઓ ચલાવે છે. બીજા મદરસા જયાં મજહબનું ઉચ્‍ચ શિક્ષણ અપાય છે. આ મદરસા આશ્રમ શાળાની જેમ ચલાવાય છે જેમાં કોલેજ લેવલનું શિક્ષણ અપાય છે. આવા દારૂલ ઉલૂમો જિલ્‍લામાં ર-૩-૪ હોય છે. આવા મદરસામાં ઉચ્‍ચ શિક્ષણના ઇચ્‍છુક જ જાય છે. આવા મદરસા સરકારી કાનૂન પ્રમાણે ચેરીટી કમિશનર યા વકફ યા વકફ બોર્ડમાં રજીસ્‍ટર કરાવેલા હોય છે, તેના ટ્રસ્‍ટીઓ હિસાબ રાખે છે તે ઓડિટ કરાવી ચેરીટીમાં મોકલાય છે બધુ કાનૂની થાય છે છતાં કોઈ મદરસામાં ગેરરીતિ હોય તો સબૂત સાથે કોર્ટમાં પડકારી શકાયલ, અને આજ સુધી કોઇ મદરસામાં ગેરરીતિ થતી જોવા મળી નથી. જે કંઇ મદરસાના વિરૂદ્ધ બકવાસ કરવામાં આવે છે તે વાહિયાત જ હોય છે. માટે મદરસાને ખોટી રીતે બદનામ કરવા યોગ્‍ય નથી જ.
મુસ્લિમોમાં માલદારો પર ધા‍ર્મિક રીતે પોતાના માલમાંથી દરવર્ષે ૪૦મો ભાગ ગરીબ, નાદાર, મરૂરતમંદને દાન પેટે આપવું જરૂરી બતાવવામાં આવે છે તેમાંથી ગરીબ બાળકો જે મદરસામાં તાલીમ લઇ રહ્યા છે. તેમના ઉપર પણ ખર્ચ કરવામાં આવે છે. ભારતના મુસ્લિમો નોકરી ધંધા માટે પરદેશ જાય છે. ત્‍યાંથી પોતાના ગામ રાજ્યના મુસ્લિમોના સેવાના કામ માટે પૈસા મોકલે છે તે કોઈની વ્‍યકિતગત સંપત્તિ હોતી નથી સમાજ કે ટ્રસ્‍ટની હોય છે. બીજા ધર્મિઓ પણ પરદેશથી આ રીતે મદદ મોકલે છે. આ દેશના નાગરિકોને રોજી રોટી માટે દેશમાં ગમે ત્‍યાં જવાનો અધિકાર છે. એ રીતે બિહાર યુ.પી.ના આલિમો રોજીની શોધમાં ગુજરાતમાં આવે છે. બીજા ધર્મના ધર્મગુરુઓ શું એ રીતે નથી આવતા ? ઉર્દૂ એ એક ભારતીય ભાષા છે તેનો બંધારણમાં પણ સ્‍વીકાર થયો જ છે. પુરા ભારતમાં તે બોલાતી હોય તેને મુસ્લિમોએ મજહબની લીંક ભાષા બનાવી છે, પ્રાદેશિક ભાષાનો પણ ઉપયોગ થાય જ છે. મદરસા અને ઉર્દુના ત્‍યાગની સલાહ માન્‍ય ન થઇ શકે. આવી સલાહ પાછળ મોટું કાવતરું લાગે છે.

Tuesday, June 20, 2006

કોમી એકતા દેશ માટે જરૂરી

હિન્‍દુસ્‍તાનમાં પરાપૂર્વથી સર્વધર્મ સમભાવ રહ્યો છે. અંગ્રેજો આ દેશમાં આવ્યા તે પહેલાં દેશમાં સર્વધર્મના લોકો પ્રેમભાવથી મળીને રહેતા હતા. મુસ્લિમોમાં હિંદુ ધર્મ પ્રત્યે તથા હિંદુઓમાં ઇસ્લામ પ્રત્યે આદર હતો. સૂફી સંતોના ડાયરા તથા નાનક, કબીર, રહીમ જેવા આદી કવિઓના કાવ્‍યો એના સબૂત છે. આજે જ ઘણી જગ્‍યાએ મંદિર-મસ્‍જીદ પાસે પાસે દેખાય છે. તે તે સમયની કોમી એકતાની નિશાની છે પણ અંગ્રેજોએ પોતાની સત્તાના મૂળિયા હિંદમાં મજબૂત કરવા હિંદુ-મુસ્લિમોમાં ફૂટ નાંખી તેણે ઇસ્‍લામની બદબોઇ કરવા માંડી અને ઇસાઇ ધર્મની ઉંચતા બતાવવા ખૂબ પ્રચાર કર્યો અને મીશનરી દ્વારા ખૂબ પૈસા ખર્ચ કર્યા. જેની અસર આજે પણ બંને કોમોમાં કટૂતારૂપે દેખાઇ રહી છે.
આજે જે કોમી એકતામાં ખલેલ પાડી રહ્યા છે તે આમ જનતા નથી પણ કહેવાતા આગેવાનો જ છે તેઓ ચાહે તો કોમી એકતા સ્‍થાપી શકાય એમ છે એ માટે મહાત્‍મા ગાંધીએ પોતાના પુસ્‍તક મારા સ્‍વપ્‍નનું ભારતના પેજઃ ર૪૧-ર૪ર પર લખ્‍યું છે.
મારી તો ખાતરી છે કે જયાં આગેવાનોમાં લડવાની ચળ નથી ત્‍યાં આમ પ્રજાને લડવાની કે માથા ભાંગવાની મુદલવૃત્તિ નથી. તેથી જો આગેવાનો કબૂલ થાય કે બધા આપસના કજિયાઓને જ જંગલી અને અધાર્મિક ગણીને બીજા બધા સભ્‍ય દેશોની માફક આ દેશમાંથી પણ કાયમને માટે તિલાંજલી આપવામાં આવે તો આમ પ્રજા તાબડતોબ એ ભાવનાને ઝીલી લેશે એ વિષે મને છાટાભર શંકા નથી. જ્યારે હિંદમાં અંગ્રેજ રાજ્ય ન હતું જ્યારે એક પણ અંગ્રેજના પગલાં અત્રે નહોતા થયા ત્યારે શું હિંદુ, મુસલમાન અને શીખ હંમેશા માહેમાહે લડયા જ કરતા હતા ? ઈતિહાસકારોએ પુરાવો આપીને બતાવ્યું છે કે ત્યારે પણ અમે પ્રમાણમાં સુલેહ શાંતિથી રહેતા હતા. લડતા ન હતા. અંગ્રેજો ગયા પણ તેમણે ચાંપેલી કુસંપની આગ હજુ દેશમાં જલી રહી છે. રાજકારણીઓ સત્તાપ્રા‍પ્તિ ખાતર તે સદા પ્રજ્વલિત રાખવા પ્રયત્નશીલ છે. આ સત્યને આમ જનતા સમજે તે દેશના હિતમાં છે. આજે ધર્મના નામે થતા તોફાનો અને ફેલાતી ધૃણાથી આમ જનતાને જ તકલીફો પડે છે. લડાવી મારનારને કંઇ જ થતું નથી. તે તો મજા કરે છે. રેલીઓ કાઢી જલ્‍સા કરે છે. જેથી દેશની પ્રગતિ માટે કોમી એકતા જ દેશ અને જનતાના હિતમાં છે.

Sunday, June 11, 2006

હકીકતનો સ્વીકાર કરતા પહેલા વિચારો

કોઈ પણ હકીકતનો સ્વીકાર કરવા માટે તેના પર વિચાર કરવાની બેહદ જરૂર હોય છે. અમલ તેનું પ્રથમ પગથિયું છે વિચાર્યા વિનાનું કોઈ પણ કામ અલ્લાહ તઆલાને પણ પસંદ નથી. કોઈ કહે અને તે માની લેવું એ બેવકૂફી છે. દરેક પ્રશ્નનો બુદ્ધિપૂર્વક વિચાર કર્યા બાદ જ ચોક્કસ નિર્ણય પર આવવું એ સાચી બુદ્ધિમાની છે. અલ્લાહ તઆલાની આ હિદાયત માનવ જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. આપણે શ્રધ્ધા અને અંધશ્રધ્‍ધાનું ઉદાહરણ જ લઇએ તો બંને વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. શ્રધ્ધા માનવીનો એક મહામૂલો ગુણ છે પરંતુ અંધશ્રધ્‍ધા એ એક બિમારી છે. આવા અવગુણ ગુમરાહી જ લાવે છે. શ્રધ્ધા વિચાર કરવાથી મજબુત થાય છે. જ્યારે અંધશ્રધ્‍ધામાં વિચાર અથવા બુધ્ધિ વાપરવાનો કોઈ અવકાશ જ રહેતો નથી. ઈમાન અને શ્રધ્‍ધામાં પૂરતો વિચાર કર્યો ન હોય તો તેને અંધશ્રધ્‍ધામાં ફેરવાઈ જતા વાર લાગતી નથી આથી સાવધ રહેવું જરૂરી છે. આપણે વિચાર કરીએ કે અલ્‍લાહે ઇન્‍સાનને શા માટે પેદા કર્યો ? તો જણાય છે કે તેની ઇબાદત માટે, વધુ વિચાર કરીએ કે શું આખો દિવસ ફકત ઈબાદત જ કર્યા કરવી ? આમ થાય તો દુનિયાનો કારોબાર જ સ્થગિત થઇ જાય. આથી ઊંડો વિચાર કરીએ તો સમજાય છે કે ઈબાદત એટલે ફકત નમાઝ, રોજા કે માળા ફેરવ્‍યા કરવું એવું નથી પણ રોજિંદા જીવનમાં જે ઇન્‍સાન જે અમલ કરે છે તે સાચી નિયત અને અલ્લાહ તઆલાના હુકમ પ્રમાણે હોય તો સર્વે ઇબાદત જ છે. અલ્લાહ તઆલાની ઇબાદતની સાથે માનવના એકબીજા પ્રત્‍યેના હકો અદા કરવા એ પણ ઇબાદત જ છે.
આથી માનવે દરેક કાર્યમાં પુરતો વિચાર કર્યા બાદ સાચી નિયતથી અલ્‍લાહના હુકમો પ્રમાણે જીવન જીવવું જોઇએ. જેથી તેના દરેક કાર્યો ઇબાદતમાં સામેલ થઇ જશે.