ઉજાસ

Wednesday, July 12, 2006

લોકશાહી બચાવો

આપણી ભારતની લોકશાહીને જગતની સર્વશ્રેષ્‍ઠ લોકશાહી તરીકે ગર્વ લઇને તેને સદા બિરદાવતા થાકતા નથી. ભારતમાં સમય સમયે ચૂંટણી તો જરૂર થતી રહે છે પણ શું આપણે છાતી ઠોકીને કહી શકીએ એમ છે ખરા કે તેમાં જનતાને સાચો અભિપ્રાય વ્‍યકત થાય છે. ચૂંટણી સમયે જનતા પર ધાર્મિક, કૌમી, સામાજિક, નાણાકીય શકિતબળનો પ્રભાવ પાડવાનો સતત પ્રયત્‍ન શું થતો નથી? થાય જ છે જેમાં સત્તાપક્ષને વધુ ફાવટ હોય, ખૂબ સક્રિય રહે છે. મુખથી તો બધા સિધ્‍ધાંતોની પ્રગતિની ખૂબ વાતો કરે છે પણ અમલમાં તે ગંભીર હોતા જ નથી.
જયારે ચૂંટણી થઇ જાય છે. મતદારો પોતાનો મત પોતાના પસંદગીના પક્ષના ઉમેદવારને આપી, આશા રાખે છે કે તે પાંચ વર્ષ સુધી મતદારોને વફાદાર રહીને સેવા કરશે. પણ જો એમ થતું નથી તો વિરોધી સભ્‍યોને ફોડી પોતાના પક્ષ કરવા ખટપટ શરૂ થઇ જાય છે. પૈસાના કે બીજા પ્રલોભનોના જોરે સભ્‍યો ફેરફૂદડી કરવા લાગે છે. તેઓ ભૂલી જાય છે કે મતદારોએ તેમને કયા પક્ષે રહી સેવા કરવા ચૂંટયાં છે. મતદારો બિચારા તેમની સાથે થતી દગાખોરી સામે કંઇ કરી શકતા નથી. તેમને તો ફકત જોઇ જ રહેવું પડે છે. મતદારોએ જે સિધ્‍ધાંતોને જોઇ મત આપ્‍યા હતા, તેમાં છેતરાયાનું ઠગાયાનું ભાન થાય છે. આપણી આ લોકશાહીની મોટી ખામી છે. તોડફોડમાં મોટે ભાગે સત્તાધારી પક્ષનો હાથ ઊંચો રહે છે. તે તેના વિરોધીઓને કચડી નાંખવા આગ્રહી હોય છે. જેમકે હાલ ગુજરાતમાં આપણે જોઇ રહ્યા છે. જયારે લોકશાહીમાં મજબૂત વિરોધ પક્ષનું હોવું બેહદ જરૂરી છે. દેશના દરેક રાજયમાં પણ ચૂંટાયેલા સભ્‍યોની ફેરફૂદડી જાણીતી છે. સંસદમાં પણ આમ જ થતું રહે છે. આજે સત્તાધારી પક્ષે તો કાલે વિરોધ પક્ષે એમ કરવા પાછળ જનતાનો લાભ જોવાતો નથી પણ પોતાનો વ્‍યકિતગત લાભ જ જોવાય છે. ગુજરાતના ચૂંટાયેલા પંચાયતોને પણ સત્તાધારી પક્ષ તરફથી પોતાના હિત માટે તોડવાનું એક અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દક્ષિ‍ણ ગુજરાત પણ પાછળ નથી. તેના ભવાડા અખબારોમાં આપણે વાંચ્‍યા છે. આ બધું લોકશાહીને વિકસાવવા બાધા રૂપ બને છે. હવે જનતાએ જ એવાઓની શાન ઠેકાણે લાવવા આંદોલનનો માર્ગ લેવો જોઇએ. તો જ જાડી ચામડીના સીધા થશે. જનતા જાગે અને લોકશાહી બચાવવા મેદાનમાં આવે.

0 Comments:

Post a Comment

<< Home