ઉજાસ

Wednesday, July 19, 2006

મુસ્લિમો પર થતા ખોટા આક્ષેપો બંધ થાય

કેટલાક રાજકીય નેતાઓ પોતાની અને પોતાના પક્ષની સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે હંમેશા ધડ-માથા વિનાના આક્ષેપો કરતા રહે છે. અને તેની સત્યતાની તપાસ કર્યા વિના કેટલાક અખબારો તેને મોટા મોટા હેડીંગો આપી પ્રસિધ્ધિ પણ આપે છે. આવા આક્ષેપોનો ભોગ મોટા ભાગે મુસ્લિમો બને છે. તેથી સમાજમાં તેમના માટે નફરત પેદા થાય છે. આવી ગંભીર બાબત તરફ કોઇ ધ્યાન આપતું નથી. આપણે જોયું કે બોમ્બેના બોમ્બ બ્લાસ્‍ટમાં મરનાર દરેક ધર્મના લોકો હતા. તે છતાં શંકાની સોય મુસ્લિમો તરફ ખેંચવામાં આવી, મુસ્લિમ ઇલાકાઓમાં દરોડા પાડવામાં આવ્યા. હવે આજે જોયું કે સ્વામી સચ્ચિદાનંદ પરના હુમલામાં કયાં મુસ્લિમો આવ્‍યા ???
જેઓ આવા, આક્ષેપો કરે છે તેમના ઉપર એ જવાબદારી પણ લાદવી જોઇએ કે તે તેની સત્યતા પણ સાબિત કરી બતાવે, જો તે સાબિત ન કરી શકે તો તેને સમાજમાં કૌમ- કૌમ વચ્‍ચે નફરત ફેલાવવા માટે સજાપાત્ર ગુનેગાર ગણી લેવો જોઇએ. સત્યતાની તપાસ કર્યા વિના જુઠા સમાચારો પ્રસિધ્ધ કરી સમાજમાં નફરતની આગ ફેલાવવા માટે એવા અખબારોને પણ ગુનેગાર ગણવા જોઇએ.
એવું પણ જાણવામાં - જોવામાં આવ્યું છે કે જેમની સામે ખોટા આક્ષેપો થયા હોય, તેઓ તેનો દલીલો સાથે ઉત્તર અખબારોને મોકલે તો તે પ્રત્યે દુર્લક્ષ કરી લેવામાં આવે છે. અને જો પ્રસિધ્ધ કરવું પડે તો તેને એક ખુણામાં આપી દેવામાં આવે છે. જયાં કોઇનું ખાસ લક્ષ જ ન જાય.
કેટલાક અખબારોના પાને સદા નફરત પેદા કરનાર હેડીંગો તો મોટા અક્ષરોમાં આપવામાં આવે છે. પણ તેની નીચેની જો હકીકત વાંચો તો એવું તેમાં નથી હોતુ. પણ આનાથી સમાજનું જે વાતાવરણ કલુષિત થાય છે. તેની જવાબદારી અખબારોની છે. મુસ્લિમોને વિના કારણે જરૂર ઘસીટવામાં આવે છે. આને શું સમજવું ?
રાજકીય નેતાઓ તરફથી મુસ્લિમો વિરૂદ્ધ થતા ખોટા આક્ષેપો તથા કેટલાક અખબારો તરફથી તે દ્વારા ફેલાવાતી નફરતની આગને તાકીદે બંધ કરવા સરકાર તથા સમાજના સજાગ નાગરિકો તરફથી યોગ્ય થાય એમ અમે ઇચ્‍છીએ છીએ. આનાથી સરવાળે શહેર, રાજ્ય અને દેશની શાંતિ જળવાશે અને ફાયદો જ થશે.
ઠંડા દિલ- દિમાગથી સૌ એના પર વિચારે અને અમલ કરે એ જ આજની માંગ છે.

Wednesday, July 12, 2006

લોકશાહી બચાવો

આપણી ભારતની લોકશાહીને જગતની સર્વશ્રેષ્‍ઠ લોકશાહી તરીકે ગર્વ લઇને તેને સદા બિરદાવતા થાકતા નથી. ભારતમાં સમય સમયે ચૂંટણી તો જરૂર થતી રહે છે પણ શું આપણે છાતી ઠોકીને કહી શકીએ એમ છે ખરા કે તેમાં જનતાને સાચો અભિપ્રાય વ્‍યકત થાય છે. ચૂંટણી સમયે જનતા પર ધાર્મિક, કૌમી, સામાજિક, નાણાકીય શકિતબળનો પ્રભાવ પાડવાનો સતત પ્રયત્‍ન શું થતો નથી? થાય જ છે જેમાં સત્તાપક્ષને વધુ ફાવટ હોય, ખૂબ સક્રિય રહે છે. મુખથી તો બધા સિધ્‍ધાંતોની પ્રગતિની ખૂબ વાતો કરે છે પણ અમલમાં તે ગંભીર હોતા જ નથી.
જયારે ચૂંટણી થઇ જાય છે. મતદારો પોતાનો મત પોતાના પસંદગીના પક્ષના ઉમેદવારને આપી, આશા રાખે છે કે તે પાંચ વર્ષ સુધી મતદારોને વફાદાર રહીને સેવા કરશે. પણ જો એમ થતું નથી તો વિરોધી સભ્‍યોને ફોડી પોતાના પક્ષ કરવા ખટપટ શરૂ થઇ જાય છે. પૈસાના કે બીજા પ્રલોભનોના જોરે સભ્‍યો ફેરફૂદડી કરવા લાગે છે. તેઓ ભૂલી જાય છે કે મતદારોએ તેમને કયા પક્ષે રહી સેવા કરવા ચૂંટયાં છે. મતદારો બિચારા તેમની સાથે થતી દગાખોરી સામે કંઇ કરી શકતા નથી. તેમને તો ફકત જોઇ જ રહેવું પડે છે. મતદારોએ જે સિધ્‍ધાંતોને જોઇ મત આપ્‍યા હતા, તેમાં છેતરાયાનું ઠગાયાનું ભાન થાય છે. આપણી આ લોકશાહીની મોટી ખામી છે. તોડફોડમાં મોટે ભાગે સત્તાધારી પક્ષનો હાથ ઊંચો રહે છે. તે તેના વિરોધીઓને કચડી નાંખવા આગ્રહી હોય છે. જેમકે હાલ ગુજરાતમાં આપણે જોઇ રહ્યા છે. જયારે લોકશાહીમાં મજબૂત વિરોધ પક્ષનું હોવું બેહદ જરૂરી છે. દેશના દરેક રાજયમાં પણ ચૂંટાયેલા સભ્‍યોની ફેરફૂદડી જાણીતી છે. સંસદમાં પણ આમ જ થતું રહે છે. આજે સત્તાધારી પક્ષે તો કાલે વિરોધ પક્ષે એમ કરવા પાછળ જનતાનો લાભ જોવાતો નથી પણ પોતાનો વ્‍યકિતગત લાભ જ જોવાય છે. ગુજરાતના ચૂંટાયેલા પંચાયતોને પણ સત્તાધારી પક્ષ તરફથી પોતાના હિત માટે તોડવાનું એક અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દક્ષિ‍ણ ગુજરાત પણ પાછળ નથી. તેના ભવાડા અખબારોમાં આપણે વાંચ્‍યા છે. આ બધું લોકશાહીને વિકસાવવા બાધા રૂપ બને છે. હવે જનતાએ જ એવાઓની શાન ઠેકાણે લાવવા આંદોલનનો માર્ગ લેવો જોઇએ. તો જ જાડી ચામડીના સીધા થશે. જનતા જાગે અને લોકશાહી બચાવવા મેદાનમાં આવે.